Breaking

Sunday 29 October 2023

વોર ઓન ચિલ્ડ્રન : ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનની લડાઈની નિર્દયી વાસ્તવિકતા

 


 Image credit: X @mayadeen

આંતરરાષ્ટ્રીય મીડિયા યહૂદી બાળકોની હત્યાઓને ‘નગણ્ય’ ગણે છે, પણ હકીકત એ છે કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને બાળકોના અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. 2021માં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિઓ ગુટેર્સે કહ્યું હતું કે, ‘પૃથ્વી પર જો કોઈ નર્ક હોય, તો આજે ગાઝાનાં બાળકોનું જીવન છે.’

લોકો સોશિયલ મીડિયા પર, વિશેષ કરીને ટ્વિટર (હવે એક્સ) પર સક્રિય છે, તેમને ઇઝરાયેલ-પેલેસ્ટાઈનની લડાઈમાંથી આવતાં જખ્મી બાળકોના સમાચારો, તસવીરો અને વીડિયોથી પીડા થતી હશે. તેમને એવો પણ પ્રશ્ન થતો હશે કે આ તે કેવી લડાઈ છે, જેમાં માસૂમ બાળકોને નિશાન બનાવવામાં આવે છે?

અન્ડરવર્લ્ડના ગેંગસ્ટરો સુધ્ધાંમાં એક વણલખ્યો નિયમ છે કે તેમની લડાઈમાં ક્યારેય બાળકો અને સ્ત્રીઓને નિશાન નહીં બનાવવાનાં. 1949માં જીનીવા સંમેલનમાં સશસ્ત્ર સંઘર્ષના આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત નિયમો પસાર કરવામાં આવ્યા હતા કે સંઘર્ષની સ્થિતિમાં બાળકોનું રક્ષણ કરવું અને તેમની સાથે માનવીય વ્યવહાર કરવો.

સચ્ચાઈ એ છે કે સશસ્ત્ર સંઘર્ષોને કારણે થતી અંધાધૂંધીમાં બાળકોને સૌથી વધુ અન્યાય થાય છે. તે નાનાં હોય છે એટલે તેમની આસપાસ શું થઇ રહ્યું છે તેની તેમને સમજ નથી હોતી અને પોતાનો બચાવ કરવા માટે તેમની પાસે કોઈ રસ્તો નથી હોતો. તેથી તેઓ આસાન લક્ષ્ય બની જાય છે અને સશસ્ત્ર દળોને તેમનો ‘ઉપયોગ’ કરવામાં કોઈ વાંધો નથી હોતો. સંયુક્ત રાષ્ટ્રસંઘના એક આંકડા પ્રમાણે છેલ્લાં 10 વર્ષ દરમિયાન, યુદ્ધના પરિણામે વિશ્વમાં આશરે 1 કરોડ બાળકો માર્યાં ગયાં હોવાનો અંદાજ છે.

7મી ઓક્ટોબરે, પેલેસ્ટાઈનના ગાઝામાં ઇઝરાયેલે બોમ્બિંગ શરૂ કર્યું ત્યારથી 100 જેટલાં બાળકોનાં મોત થયાં છે. એ અગાઉ હમાસના આતંકીઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યો, ત્યારે 14 બાળકો માર્યાં ગયાં હતાં. હમાસે લગભગ 200 ઇઝરાયેલીઓને બંધક બનાવ્યા છે તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે (યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડે સ્થાનિક અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે ગાઝામાં 700થી વધુ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 2,450 ઘાયલ થયાં છે).

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસૂફ ઝઈએ કહ્યું હતું કે, ‘પાછલા દિવસોના દુઃખદ સમાચારો જોઇને મને અધવચ્ચે ફસાયેલાં પેલેસ્ટિનિયન અને ઇઝરાયેલી બાળકોની ચિંતા થાય છે. યુદ્ધ ક્યારેય બાળકોને છોડતું નથી- ઇઝરાયેલમાં તેમના ઘરમાંથી અપહરણ કરાયેલાં, હવાઈ હુમલાઓથી બચવા કોશિશ કરી રહેલાં અથવા ગાઝામાં ખોરાક અને પાણી વિના છુપાયેલાં બાળકોને પણ નહીં.

ઇઝરાયેલે નાઝીઓના હાથે નરસંહાર દરમિયાન યુરોપમાં 15 લાખ યહૂદી બાળકોની હત્યા થયાનાં થોડાં વર્ષો પછી, 1951માં સંધિપત્રને બહાલી આપી હતી, પરંતુ ઇઝરાયેલ ચોથા જીનિવા સંમેલનને માન્યતા આપતું નથી, જે કબજા સામે લડતા નાગરિકોનું રક્ષણ કરે છે, કારણ કે તે પેલેસ્ટાઇનને કબજા હેઠળની જમીન માનતું નથી.

જેરુસલેમ સ્થિત સેવાભાવી સંગઠન ‘બીક્સેલેમ’ની 2021ની ગણતરી પ્રમાણે, છેલ્લા બે દાયકામાં ઇઝરાયેલી દળોની કાર્યવાહીમાં લગભગ 2,171 બાળકો માર્યાં ગયાં છે, જ્યારે પેલેસ્ટાઈનના લડાયકોના હાથે 139 ઇઝરાયેલી બાળકો ભોગ બન્યાં છે.

આ યુદ્ધ વર્તમાન સમયની ક્રૂર વાસ્તવિકતા અને માનવાધિકારના ઉલ્લંઘનને દર્શાવે છે. એમાંથી બાળકો પણ બાકાત નથી. હમાસ અને ઇઝરાયેલી સંરક્ષણ દળો બંને પર બાળકોના અધિકારોનું ઉલ્લંઘન કરીને તેમને નુકસાન પહોંચાડવા અને મારી નાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

અમુક પત્રકારોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય મીડિયા યહૂદી બાળકોની હત્યાઓને ‘નગણ્ય’ ગણે છે, પણ હકીકત એ છે કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને બાળકોના અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. 2021માં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિઓ ગુટેર્સે કહ્યું હતું કે, ‘પૃથ્વી પર જો કોઈ નર્ક હોય, તો આજે ગાઝાનાં બાળકોનું જીવન છે.’

આ સ્થિતિ આજની નથી. ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી યુવાનો લડાઈમાં અગ્રેસર રહ્યા છે. એમાં બાળકો, ખાસ કરીને પેલેસ્ટિનિયન બાળકો, ગોળીબાર, બોમ્બ ધડાકા, આતંકવાદ માટેની ભરતી અને અટકાયતનાં શિકાર બનતાં રહ્યાં છે. ઇઝરાયેલી લશ્કરી કબજા હેઠળ, વેસ્ટ બેંક અને ગાઝામાં રહેતાં પેલેસ્ટિનિયન બાળકોએ હિંસા, શોષણ, ગોળીબાર અને સામૂહિક સજાના ચક્રનો અનુભવ કર્યો છે.

સંઘર્ષ અને તેની માનસિક પીડા પર કામ કરતા નિષ્ણાતો કહે છે કે ઇઝરાયેલી અને પેલેસ્ટિનિયન બાળકો પર આ હિંસાની ટૂંકા અને લાંબા ગાળાની પ્રતિકૂળ અસરો પડે છે, પણ ગાઝામાં રહેતાં બાળકોની સ્થિતિ વધુ સંવેદનશીલ છે, કારણ કે તેઓ વધુ અસુરક્ષિત છે અને ત્યાં માનસિક સ્વાસ્થ્ય સંભાળ રાખવાની વ્યવસ્થા નથી. ગાઝામાં, 40%થી વધુ વસતી 14 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની છે.

1999માં, લૌરેલ હોલિડે નામની શિક્ષિકા, સાઇકોથેરાપિસ્ટ અને હવે લેખકે ‘ચિલ્ડ્રન ઓફ ઇઝરાયેલ, ચિલ્ડ્રન ઓફ પેલેસ્ટાઈન અવર ઓન ટ્રસ્ટોરીઝ’નામનું એક હૃદયસ્પર્શી પુસ્તક લખ્યું હતું. એ પુસ્તકમાં દુનિયાના આ સૌથી લાંબા સંઘર્ષગ્રસ્ત પ્રદેશમાં રહેતા અને ત્યાં ઉછરેલા લોકોના દૃષ્ટિકોણથી 36 વાર્તાઓનું સંકલન કરવામાં આવ્યું હતું.

તેમાં 27 વર્ષીય પત્રકાર નિહાયા કવસ્મીનું એક વિધાન હતું, ‘ક્યારેક મને લાગે છે કે પેલેસ્ટિનિયનો ભગવાનનાં ઓરમાયાં બાળકો છે; અમે જીવવા અને શ્વાસ લેવાને લાયક નથી, અમે દુનિયાનો બલિનો બકરો છીએ,અમારે અમારો દેશ છોડીને યહૂદીઓ માટે જગ્યા કરવી પડી જેમણે અમારી જમીન પર પોતાનું વતન અને રાજ્ય સ્થાપિત કરવાનું નક્કી કર્યું હતું.

લોરેલ એમાં લખે છે કે ‘વંશીય રીતે બે અલગ લોકો-પેલેસ્ટાઈન અને ઇઝરાયેલી યહૂદીઓ-એક જ રેતી, પથ્થર, નદીઓ, વનસ્પતિ, દરિયાકિનારો અને પર્વતો પર દાવો કરે છે.’ તે આ સંઘર્ષમાં ભોગ લોકોની જે વાર્તાઓ રજૂ કરે છે તેમાં એક પીડાદાયક સચ્ચાઈ સામે આવે છે; ‘ઇઝરાયેલી અને પેલેસ્ટિનિયન બાળકો એવી લાગણી સાથે મોટાં થાય છે કે તેઓ તેમના પડોશીઓ સાથે સંઘર્ષ કરવા માટેની નિયતિ લઈને આવ્યાં છે.'

અવિવેકી યુદ્ધનો ભોગ બનેલાં આ બાળકો એવા ઘા સહન કરે છે જે શારીરિક કરતાં ઘણા ઊંડા છે. તેમનાં હૃદય આઘાતનો ભારે બોજો વહન કરે છે, તેમનાં મન દુઃસ્વપ્નથી ત્રાસી જાય છે જે તેમની ઊંઘ છીનવી લે છે. એક સમયે તેમના દિવસો હાસ્ય અને આનંદથી ભરેલા રહેતા હતા, આજે તે ભય, ચિંતા અને ખોટની ઊંડી ભાવનામાં બદલાઈ ગયા છે. 

તે એક કરુણાંતિકા છે કે તેમનું બાળપણ પ્રેમ, ભણતર અને સપનાંઓથી ભરેલું હોવું જોઈતું હતું, તેના બદલે સંઘર્ષના વિનાશથી તે ઘાયલ થઈ ગયું છે. તેમની નિર્દોષતા હણાઈ ગઈ છે અને તેમની સામે એક એવી કઠોર વાસ્તવિકતા છે જેનો સામનો કોઈ પણ બાળકને ક્યારેય કરવો ન પડે.

લૌરેલ હોલિડેના પુસ્તકમાં 18 વર્ષની એક છોકરી એક દૃષ્ટાંતકથા કહે છે, જેમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનનાં બાળકોની આશા અને નિરાશાનું મર્મસ્પર્શી ચિત્રણ છેઃ

‘માખણ ભરેલી એક બરણીમાં બે દેડકા ફસાયેલા હતા. તેઓ ન તો માખણની બહાર કૂદી શકતા હતા કે ન તો ઉપર ચઢી શકતા હતા, કારણ કે બરણીની બાજુઓ લપસણી હતી. એક દેડકાએ કહ્યું, ‘સવાર સુધીમાં તો હું મરી જઈશ’, અને સૂઈ ગયો. બીજો દેડકો બહાર નીકળી જવાની આશામાં આખી રાત તરતો રહ્યો અને સવારે માખણ પર તેનું મૃત શરીર તરતું હતું.' 

સ્રોત : સંદેશ ન્યૂઝ, કોલમ - બ્રેકિંગ ન્યૂઝ ( રાજ ગોસ્વામી)


No comments:

Post a Comment