Breaking

Monday, 15 July 2024

July 15, 2024

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ

અહેવાલ : મનોજ ખેંગાર 

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે. 

સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે. 


હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે. 

અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે. 

પ્રકૃતિના ચાહક એવા પર્યટકોની અહીંની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણુ બની રહે તે માટે, રાજ્ય સરકારના પ્રવાસન મંત્રાલયે અહીં પાયાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને, પ્રકૃતિપ્રેમી પર્યટકોને પ્રકૃતિનો અણમોલ નજારો માણવાની સુગમતા કરી આપી છે. 

'ગીરાધોધ' ખાતે ગત વર્ષોમાં રૂ.૨.૧૫ કરોડના ખર્ચે 'સોવેનિયર શોપ સંકુલ' તૈયાર કરીને, સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા સાથે 'અતિથિ દેવો ભવ' ની અહીંની ભાવનાને ઉજાગર કરવાની પણ રાજ્ય સરકારે નેમ વ્યક્ત કરી છે.

અહીં ૩૨ જેટલી દુકાનોના માધ્યમથી પર્યટકોને સુવિધા મળવા સાથે સ્થાનિક પરિવારોને રોજગારી મળી રહે, અને અહીં આવતા હજ્જારો પર્યટકોને સ્થાનિક ચીજવસ્તુઓ સહિત ખાણીપીણીની સુવિધાઓ પણ સરળતાથી મળી રહે, તથા ડાંગની 'અતિથિ દેવો ભવ'ની સંસ્કૃતિ અને સંસ્કારને પણ ઉજાગર કરી શકાય તેવા અભિગમ સાથે, દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા 'ગીરાધોધ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી-આંબાપાડા' ને આ દુકાનોનુ પી.પી.પી. ધોરણે સંચાલન સોંપીને, ૩૨ પરિવારોને સીધી રોજગારી પુરી પાડી છે. 


અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા બાબતે પણ સૌને સચેત રહેવાનો અનુરોધ કરતા જિલ્લા વહીવટી તંત્રે અહીં વિવિધ માર્ગદર્શક બોર્ડ મૂકીને, પર્યટકોને ગીરાધોધ, અને નદીમા ન્હાવા કે ઉતરવાની મનાઈ ફરમાવી છે. ભૂતકાળમા અહીં એક બે નહિ, પુરા બાવીસ લોકો તેમનો અમૂલ્ય જીવ ગુમાવી ચુક્યા હોવાની વિગતો પણ અહીં દર્શાવાઇ છે. 


વન વિસ્તારમા પ્રવાસે આવતા પ્રવાસીઓને વન જતન અને સંવર્ધનના કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સાથે, સમગ્ર ડાંગ જિલ્લાને વન વિભાગે 'નો પ્લાસ્ટિક ઝોન' જાહેર કર્યો છે ત્યારે અહીંના પર્યાવરણને કોઈ નુકશાન ન પહોંચે તેની તકેદારી દાખવવા પણ વન વિભાગે અપીલ કરી છે. 


ડાંગના જુદા જુદા પર્યટન સ્થળોએથી તમે ડાંગ જિલ્લાની યાદગીરીરૂપે વાંસની વિવિધ બનાવટો જેવી કે રમકડા અને શો પીસ સહિત નાગલી અને તેના વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી શકો છો. ગીરાધોધ ખાતે સ્થાનિક વેપારી પરિવારો પર્યટકો સાથે તાદાત્મ્યતા કેળવી, તેમના વેપાર ધંધાના વિકાસ સાથે ડાંગ જિલ્લાના આતિથ્ય સત્કારની ઉચ્ચત્તમ પરંપરાનો પણ પરિચય કરાવી રહ્યા છે. 

વઘઇના આ 'ગીરાધોધ' ઉપરાંત ગુજરાતનો સૌથી ઊંચો સુબિર તાલુકાના ગિરમાળ ગામનો 'ગિરમાળ ધોધ' પણ પ્રવાસીઓનો માનીતો અને ચહિતો ધોધ છે. ત્રણસો ફૂટની ઊંચાઈએથી નીચે ખાબકતો જળપ્રપાત પર્યટકોને રૌદ્ર અને રમ્ય અહેસાસ કરાવે છે. અહીં પણ જિલ્લા પ્રવાસન સમિતિ, અને ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી પાયાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ધોધ તરફ જતા માર્ગમાં આવતો પૂર્ણાં નદીનો 'સી વ્યૂ' પર્યટકોને પૂર્ણાં સેન્ચુરીનો એરિયલ વ્યુ પ્રદાન કરે છે.



તો આહવાના સીમાડે આવેલા 'શિવ ઘાટ' અને 'યોગેશ્વર ઘાટ' ના બે ટુરિસ્ટ ફ્રેન્ડલી વોટરફોલ શિવજી સહિત પર્યટકો ઉપર પણ જળાભિષેક કરે છે. મહાલ-બરડીપાડા રોડ ઉપરનો 'મહાલ વોટરફોલ', ચનખલની સીમમાં આવેલો 'બારદા ધોધ', ડોન ગામનો 'દ્રોણ ધોધ', પાંડવા ગામનો 'અંજની ધોધ', માયાદેવીનો 'સ્ટેપ ધોધ' ચોમાસાની ભીની ભીની મોસમમાં પ્રકૃતિપ્રેમીઓને આકર્ષી રહ્યા છે.

ઊંચા ઊંચા ડુંગરો ઉપરથી નીચે ખીણમાં ખાબકતા શ્વેત દુગ્ધધારા જેવા અનેક નામી અનામી જળધોધ ઉપરાંત, ખીણ પ્રદેશમાં જાણે કે આકાશમાંથી પોતાના પ્રિયતમથી વિખૂટી પડી, એકલી અટુલી અટવાતી શ્વેત શ્યામ વાદલડી અને તેની ધૂમ્રશેર ડાંગના સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે. આવા માદક અને મનમોહક માહોલને માણવું હોય તો પ્રાકૃતિક ડાંગ જિલ્લો તમને સાદ દઈ રહ્યો છે.

વરસાદી વાયરાની વચ્ચે ચોમાસાની હેલીથી તરબતર વનસૃષ્ટિમાં ડુંગરા ખૂંદવા માટેની ચાહ હોય, તેને માટે આ બધી રાહ આસાન છે ! બાકી તો ડુંગરા દૂરથી રળિયામણા એમ માનીને ટેલિવિઝનના પડદે, અને અખબારો, સામયિકોના પાને આ જળધોધના આકર્ષક ફોટોગ્રાફસ જોઇને જ મન મનાવવુ પડે ! અને હાં, આ જળધોધની મુલાકાત લઇને પ્રકૃત્તિના નજારાને મનભરીને માણવાનું તો સૌને ઇજન છે જ. પરંતુ રોમાંચ અને ક્ષણિક આવેશના જોશમાં સેલ્ફી કે ફોટોગ્રાફીની ઘેલછામાં, ક્યાંક અજુગતુ ન બને તે માટે સભાન રહેવુ પણ એટલુ જ જરુરી છે.


ચોમાહાની ખરી મઝા તો ડાંગમાં જ આવે - ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો...

Posted by Info Dang GoG on Monday, July 15, 2024

Thursday, 2 May 2024

May 02, 2024

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

     Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.



ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

Wednesday, 24 April 2024

April 24, 2024

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.


Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

 

Thursday, 11 April 2024

April 11, 2024

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                        

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.

      ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળા પરિવારની એકબીજા સાથેની આત્મીયતા દર્શાવે છે.

પ્રથમ ધોરણ -૮ નાં વર્ગ શિક્ષક શ્રીમતી પ્રિયંકા દેસાઈએ તમામ બાળકો ભવિષ્યમાં ભણીગણીને આગળ વધે તેવા પ્રોત્સાહક પ્રવચન કર્યું હતું. જ્યારે વૈશાલીબેન પટેલ ભાવુક થઈ ગળગળા અવાજે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. 

શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલે પણ બાળકોના ઉજ્જવળ કારકિર્દી માટે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી આગળ વધવા માટે પ્રોત્સાહક વકતવ્ય રજૂ કર્યું હતું.  ધોરણ -૮ વિદ્યાર્થીઓ તરફથી તમામ શિક્ષકોને સ્મૃતિ ભેટ સ્વરૂપે બોલપેન આપવામાં આવી હતી.  જ્યારે શાળાને સરસ્વતી માતાની મૂર્તિ, ગણેશજીની મૂર્તિ, પિત્તળનો દીવડો, અને દીવાલ ઘડિયાળ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તમામ બાળકોને શાળા તરફથી સેવખમણી અને જલેબી નો નાસ્તો કરવામાં આવ્યો હતો. 




Friday, 5 April 2024

April 05, 2024

Khergam news : ખેરગામના અત્યંત ગરીબ પરિવારનો દીકરો પોલીસ સબ ઈન્સ્પેકટર બન્યો.

                                                         

Khergam news : ખેરગામના અત્યંત ગરીબ પરિવારનો દીકરો પોલીસ સબ ઈન્સ્પેકટર બન્યો.

પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું તેનું સુખદ પરિણામ આવે જ છે.

‘મનુષ્યયત્ન અને ઈશ્વરકૃપા’ એ ઉક્તિ જાણીતી છે. પણ માત્ર ઈશ્વરકૃપાની રાહ જોઈને બેસી રહેવાથી કંઈ મળી શકે નહીં. પુરુષાર્થ વગર તો પ્રારબ્ધ પણ પાંગળું છે. જે બેસી રહે છે તેનું નસીબ પણ બેસી રહે છે. ઈશ્વર તેને જ મદદ કરે છે જે પરિશ્રમ કરવા માટે સદાય તત્પર રહે છે.  એટલે જ એક સંસ્કૃત સુભાષિતમાં સાચું જ કહેવાયું છે કે, ‘ઉદ્યમથી જ કાર્યસિદ્ધિ મળે છે ; મનોરથ સેવવાથી નહિ.’

ઉપરોક્ત ઉકિતને ચરિતાર્થ કરનાર ખેરગામ તાલુકાનાં પી.એસ.આઈ મિલન પટેલની કહાની

ખેરગામ તાલુકાના ખેરગામના સરસિયા ફળિયાના મિલન પટલ ની કહાની પણ એવી જ છે ગરીબ વર્ગના અને અભ્યાસ દરમિયાન માતાપિતાની છત્ર છાયા ગુમાવી રહેલ મિલાન પટેલ ગુજરાત પોલીસ માં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે નિયુક્ત થતા આખા ગામના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે મિલન પટેલે પીએસઆઈ સુધીની સફર ખેડવા ભલભલાં કપરાં ચઢાણ પાર કર્યા છે. તેવોએ ગુજરાત પોલીસ એકેડમી-કરાઈ ખાતે એક વર્ષની પીએસઆઈ તરીકેની તાલીમ પૂરી કરી એ પહેલાં અનેક મુસીબતોનો સામનો કરવો પડયો હતો. 

માત્ર ૯ વર્ષની ઉંમરે પિતા રાકેશભાઈનું અવસાન થયું. એ વેળા આખો પરિવાર ભાંગી પડ્યો.ઘરમાં આવકનું કોઈ સાધન નહીં. માતા સરસ્વતીબેન ઉપર ત્રણ સંતાન મિલન, નયન અને રેશ્માનું ભરણપોષણ કરવાની જવાબદારી આવી પડી. એટલે માતાએ કાળી મજૂરી કરી સંતાનોનો ઉછેર કર્યો. ભણવું તો હતું, પણ સંજોગ સામે પણ લડવાનું. બાળપણથી ઇચ્છા તો ઘણી બધી. કલાસમાં ટીચર પૂછે કે શું બનવું છે મોટા થઈને. તો મિલન કહેતો ‘હું પોલીસ બનીશ'એવી ગાંઠ વાળી લીધી હતી, પરંતુ એ મોહ યુવા વય સુધી તો ઓસરવા લાગ્યો. આર્થિક તંગી પીછો છોડતી ન હતી. 

ધો. ૧ થી ૫નો અભ્યાસ ભસ્તા ફળિયા પ્રાઈમરી શાળા, ધો.૯થી ૮ ખેરગામની કુમાર શાળા તો મહેસાણાના એસઆરઆઈ કેમ્પસમાં બી.ઈ.મિકેનિકલનો અભ્યાસ કર્યો. આર્થિક સ્થિતિ સારી ન હોવાની જાણ થતાં મિશનરી હોસ્ટેલમાં કેટલાક આગેવાનોએ ભલામણ કરતાં ભણતર, ટ્યુશન સહિતનો ખર્ચ રાહતરૂપ રહ્યો હતો. જેમતેમ અભ્યાસ તો પૂર્ણ કર્યો અને સારા દિવસ આવશે એ સપનાં જોતાં મિલનના માથેથી વર્ષ-૨૦૨૦માં માતાનો છાંયો પણ ઊઠી ગયો.


આર્થિક તંગીને કારણે માતાની સારવાર ન થઈ શકી અને અંતે અવસાન થયું. જેનો વસવસો આજે પણ મિલનને છે.માતાના અવસાનથી કુદરતે જાણે સર્વસ્વ છીનવી | લીધું એવું ત્રણેય ભાઈ-બહેનને લાગતું. અંતે ૨૦૨૧માં કોલેજ પાસ કરીને ઘરનું ગુજરાન ચલાવવા નોકરીની શોધ કરી. એ વેળા મિલનને વાપીની મેરિલ કંપનીમાં રૂ.૧૨૦૦૦ની સેલેરીવાળી નોકરી મળી. ત્યાં ૧ વર્ષ સુધી ૩ પાળીમાં નોકરી કરી. ૨૦૨૧ના એ કપરા કાળ વિશે મિલન કહે છે કે, મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કોલેજ પાસ કર્યું. ૧૨ પાસ કર્યા પછી કોઈ ગાઇડલાઇન કરવાવાળું ન હતું. પ્રાઈવેટ કોલેજમાં એડમિશન લીધું હતું. મારી ગણતરીઓ ખોટી પડી. એડમિશન તો લઈ લીધું પણ ધાર્યુ એવું શિક્ષણ મળતું ન હતું. આથી કોલેજમાંથી ટ્રાન્સફર મેળવવા પ્રયાસ કર્યો તો સફળતા ન મળી. જેના પરિણામે એન્જિનિયરિંગના વ્યવહારુ જ્ઞાનની ચિંતા થઈ. અંતે કોલેજ દરમિયાન જ સરકારી જોબ માટે એપ્લાય કર્યો . કોલેજ દરમિયાન ઓએનજીસી તરફથી એસટી કેટેગરીના સ્ટુડન્ટ તરીકે તેમને ૯૫૦૦ની સ્કોલરશિપ મળતી હતી. અને ઓનલાઈન કલાસ જોઈન્ટ કર્યા હતા નિષ્ફળતા મળે તો કંઈ નહીં પણ સેવા બજાવી રહયા છે.

પ્રયત્ન તો ચાલુ રાખવો જ છે.એવો નિર્ણય કરીને એક બાદ એક સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ગયા હતા. બિન સચિવાલય, કારકૂન, બેંક અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની જાણ થાય એટલે ફોર્મ ભરી દેતા હતા. તેમણે પ્રથમ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપી એમાં પાસ થયા, પણ શારીરિક કસોટીમાં નાપાસ થયા, છતાં હિંમત રાખી આગળ વધતા ગયા પછી કોન્સ્ટેબલની પરીક્ષા આપતાં આત્મવિશ્વાસ વધ્યો. બાદ વર્ષ- ૨૦૨૧માં પીએસઆઈની ભરતીની પરીક્ષા આવી. એ વેળા તેમની ઉંમર ૨૧ વર્ષ પણ ન હતી. કોરોનાકાળને કારણે ભરતી ફરી નીકળતા ત્યાં સુધી ૨૧ વર્ષ પાર કરી ગયા હતા. આ પરીક્ષા માટે ફિઝિકલ પરીક્ષા માટે રનિંગની આકરી પ્રેક્ટિસ કરી. એ વેળા મેરિલ કંપનીમાં ત્રણ પાળી નોકરી કરવાની સાથે બધુ જ એડ્જસ્ટ કર્યું હતું. જેમાં તેવો સિલેક્ટ થઈ ગયા હતા આજે ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે એક વર્ષની તાલીમ પૂરી કરી હાલ અમદાવાદ સીટીમાં પોસ્ટિંગ મળતા પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે.  

Friday, 15 March 2024

March 15, 2024

Khergam : ખેરગામ ગ્રામ પંચાયત સહયોગથી શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલ દ્વારા નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

                             

Khergam : ખેરગામ ગ્રામ પંચાયત સહયોગથી શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલ દ્વારા નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

તારીખ : ૧૪ માર્ચ ૨૦૨૪  ગુરુવારના રોજ સ્થળ : વલસાડ રોડ, ધર્મેશભાઈ પટેલની વાડીમા સમય : સવારે ૧૦.૦૦ વાગ્યાથી  બપોરે ૩.૦૦ વાગ્યા સુધી નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

જેમાં બ્લડ સુગર,બ્લડ પ્રેશર, શરદી, ખાંસી, તાવ, ઝાડા-ઉલ્ટી,ખાસ કરીને એનિમીયાની તપાસ (શરીરમા હીમોગ્લોબીન (લોહી)નું પ્રમાણ)નાં કુલ ૩૯૫ જેટલાં લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. દાંતની સમસ્યાને લગતા ૭૦ જેટલાં લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે આંખની તપાસ કરી અને ૨૭૪ જેટલાં લાભાર્થીઓને ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતું.

જેઓનું લોહીનું પ્રમાણ 7% થી ઓછુ આવ્યું હશે તેવા એનિમીયાના (લોહીની ઊણપ વાળા)દર્દીઓને આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ નિઃશુલ્ક સારવાર માટે શ્રીમદ્દ રાજચન્દ્ર હોસ્પિટલમાં સઘન સારવાર માટે મોકલવામાં આવશે.

આ પ્રસંગે ગામના સરપંચ ઝરણાબેન પટેલ, ડેપ્યુટી જીગ્નેશભાઈ પટેલ, મામલતદારશ્રી દલપતભાઈ(ડી.સી. બ્રાહ્મણકાચ્છ) સાહેબ, ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબ, પીએસઆઈ એમ.બી. ગામીત સાહેબ, તલાટી કમ મંત્રીશ્રી પ્રભાતસિંહ પરમાર,કોંગ્રેસ સમિતિના પ્રમુખ સશીનભાઈ પટેલ, તાલુકા સભ્ય વિભાબેન પટેલ, ગ્રામ પંચાયત સભ્ય જીજ્ઞાબેન પટેલ, શૈલેષભાઈ પટેલ, રંજનબેન પટેલ,હેમલતાબેન પટેલ, માજી સરપંચ અશ્વિનભાઈ પટેલ, પત્રકારમિત્રો, શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરો અને ગામના અગ્રણી ભાઈ - બહેનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.